............મુનિ વંદનાવલિ..........
જે શ્વેત વસ્ત્રો ધારીને ,આ જગતને ઉદ્ધારતા,
રજ કરમની હરવા સદા, રજોહરણને ધારતા,
ધરી કરકમળમાં દંડને ,ત્રિદંડને જે પરિહારતા,
એવા શ્રી સંયમધર મુનિ,મન વચન કાયે હું નમું..૧
ઢાળી નજર જયણા ધરી,પુર નગરમાં વિહારતા,
પાળી સમિતિ ગુપ્તિઓને ચારિત્ર ધર્મને ધારતા,
વિન દોષ જળ આહારથી,તપ ધર્મને ઉજાળતા,
એવા શ્રી સંયમધર મુનિ,મન વચન કાયે હું નમું....૨
ગામ,નગર, પાટણ મહીં જિનવાણીને વરસાવતા,
સુણી પર્ષદા ઉલ્લાસથી ,નિજ હૃદયને સૌ ઠારતા,
ઉપવન શ્રી જિનપ્રભુ વચનના ચોમેર તે મહેકાવતા,
એવા શ્રી સંયમધર મુનિ ,મન,વચન કાયે હું નમું..૩
વ્રત મહા પંચ પ્રકારના,યતિ ધર્મ દસને પાળતા,
આભૂષણો શીલના ધરી,નિજ કાયને શણગારતા,
જેને સુરાસુર નર નમે, સમભાવમાં સૌ રાચતા,
એવા શ્રી સંયમધર મુનિ,મન વચન,કાયે હું નમું..૪
ભૂત,ભાવિ,સાંપ્રત કાલમાં જોવા મળે આ સાધુતા,
શિવ માર્ગની કરી અર્પણા,માનવ જીવન નિખારતા,
આવા જીવનને નિત્ય ઝંખે,વાસી અનુત્તર દેવતા,
એવા શ્રી સંયમધર મુનિ ,મન,વચન,કાયે હું નમું..૫
..........નરેશ એ.મદ્રાસી
No comments:
Post a Comment