નમો તિત્થસ્સ
અષ્ટપ્રકારી પૂજા પછી એક કળશ સંપૂર્ણ ભરીને પ્રભુજી સન્મુખ રાખવાની પરંપરા પુન: પ્રતિષ્ઠિત કરવી જોઈએ
અક્ષય તૃતિયાને દિવસે પ્રભુજીને ઈક્ષુરસનો પ્રક્ષાલ
પ્રભુજીએ શેરડીના રસનું પાન કર્યું છે; સ્નાન નહીં
વૈશાખ સુદ 3 અક્ષય તૃતિયાના શુભદિને પ્રભુજીને શેરડીના રસથી પ્રક્ષાલ કરવાની બાબતમાં વિ. સં. 2072 માં શ્રમણ સંમેલનના ઠરાવ મુજબ પાલીતાણામાં એકઠા થયેલા 75 થી વધારે આચાર્ય ભગવંતોએ અને સેંકડો પદસ્થો અને હજારો સાધ્વીજી ભગવંતોની નિશ્રા/ઉપસ્થિતિમાં એ ઠરાવવામાં આવ્યું છે કે શેરડીનો રસ બહુ અલ્પપ્રમાણમાં વાપરવો. એટલે કે એક ડોલ ભરીને પાણી હોય તો તેમાં એકાદ કળશ જેટલો શેરડીનો રસ ભેળવીને પ્રભુજીને પ્રક્ષાલ કરવો.
400 દિવસના ઉપવાસનું પારણું પ્રભુજીએ નિર્દોષ એવા શેરડીના રસથી શ્રી શ્રેયાંસકુમારના શુભ હસ્તે વહોર્યા પછી શેરડીના રસનું પાન કર્યુ હતું, પ્રભુજીએ સ્નાન નથી કર્યું. ઘણાખરા સંઘોમાં હાલ એકલા શેરડીના રસનો પ્રક્ષાલ થતો હતો તેથી જયણા સચવાતી ન હતી અને અનેક જીવોનો ઘાત થતો હતો. શ્રમણ સંમેલને બહુ સમજણપૂર્વક ઉપરોક્ત નિર્ણય લીધો જેથી જયણા પણ જળવાય અને પરંપરા પણ ચાલુ રહે.
કેટલાક લોકો આ વાતને નહીં સ્વીકારીને તે સમયમાં સોશ્યલ મિડીયામાં સંદેશો આપવા માંડ્યા હતા કે પૂજા પંચાસકનો પાઠ તે ઉત્તમ દ્રવ્યોથી જ પ્રભુની ભક્તિ કરવી જોઈએ. એક જ્ઞાની ગુરૂભગવંતે જણાવ્યું હતું કે, આ દલીલ વાજબી જણાતી નથી. કેમકે સિગ્નલ રેડ હોય અને આરટીઓ આપણને જવાનું કહે તો આપણે ગાડીને આગળ ચલાવી દઈએ છીએ કેમકે આરટીઓને ટ્રાફીક ઓછો કરવાનું લક્ષ્ય પાકકું હોય છે. તે રેડ સિગ્નલમાં પણ જવાની રજા આપીને આખરે ટ્રાફીકનું નિયમન કરવામાં સહાયભૂત નિવડે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ પ્રમાણે સમયાનુસાર પૂજ્ય આચાર્ય ભગવંતો વિચાર-વિમર્શ કરીને યોગ્ય વિષયોમાં જરૂરી ફેરફારો પણ કરી શકે છે.
પ્રભુ વીરના નિર્વાણ પછી 980 વર્ષ સુધી આગમો કંઠસ્થ કરાતા હતા. અને કોઈ એક આગમનો અક્ષર પણ લખે તો તેમને પ્રાયશ્ર્ચિત આવતું હતું. 12 વર્ષના દુષ્કાળ પછી સ્મૃતિભ્રંશ થતા વલ્લભીપુરમાં 500 આચાર્ય ભગવંતો એકઠા થયા. 13 વર્ષ સુધી એક જ જગ્યાએ ચાતુર્માશ કર્યું અને એક કરોડ ગ્રંથો જે હૃદયસ્થ હતા તેને શ્રુતસ્થ કર્યા. શ્રી શત્રુંજય માહાત્મ્યમાં પણ એક પાઠ એવો છે કે જેમાં શત્રુંજય ગિરિરાજ ઉપર ભગવાન ભરાવવાથી અનેરો લાભ થાય છે. પરંતુ પાલીતાણા ગિરિરાજ ઉપર રામપોળમાં પ્રવેશ કરતા જ ડાબા હાથે શ્રીસંઘે લેખ લખ્યો છે કે હવે પછી આ શત્રુંજય ઉપર કોઈપણ ભગવાન ભરાવશે તો તે સંઘનો ખૂની ગણાશે. તેથી આચાર્ય ભગવંતોએ જે આજ્ઞા ફરમાવી હોય તે નિર્ણયોને સન્માન આપવું તે આપણી પવિત્ર ફરજ છે અને તો જ અનુશાસન જળવાશે. કોઈને આ બાબતમાં ધ્યાન દોરવું હોય તો પ્રવર સમિતિનું ધ્યાન નમ્ર પણે દોરી શકાય છે. અને આ બાબતમાં શંકનું સમાધાન માગી શકાય છે.
આ બાબતમાં પ.પૂ. સ્વર્ગસ્થ આ.ભ. શ્રી પ્રદ્યુમ્નસૂરશ્ર્વરજી મહારાજા સાહેબે જિનાજ્ઞા પાઠશાળા સુરતના પ્રકાશન દ્વારા અત્યંત મહત્ત્વનો ખુલાસો સકળ શ્રીસંઘને નિવેદન દ્વારા અનેક આચાર્ય ભગવંતોની સહી સાથેનો બહાર પાડેલો છે.
પ્રભુની જ્યારે પ્રાણપ્રતિષ્ઠા થાય ત્યારે પૂજનીય આચાર્ય ભગવંતો નાદ અને જ્યોતિની પ્રતિષ્ઠા કરતા હોય છે અને અંજનશલાકા વખતે જે નાભિના સ્થાન પર પ્રાણાગ્નિ પ્રજ્વલિત થાય છે, તે પ્રભુની પ્રતિમાને પરમાત્મામાં પરિવર્તિત કરે છે. આ પ્રાજ્ઞાગ્નિનું 6 મહિના સુધી કોઈ ધ્યાન ધરે તો તે સાધકને નાભિ પરની જ્યોતિના દર્શન થતા હોય છે. બાહ્યાગ્નિને જેમ ઘી અને તેલની જરૂર હોય છે તેમ પ્રભુમાં પ્રસ્થાપિત થયેલા પ્રાજ્ઞાગ્નિને જલની આવશ્યક્તા હોય છે. એટલે કે પાણી દ્વારા જેટલો અભિષેક વધારે થાય, તેટલું પ્રભુનું તેજ પવિત્ર ઉર્જાથી પ્રકૃષ્ટ રીતે પ્રજ્વલિત થાય છે. જેમાં ગંધોદક અને શુદ્ધોદકનો પાઠ આવે છે એટલે કે સુગંધી ઔષધિવાળા જળ અને શુદ્ધજળથી અભિષેક કરવાનો પાઠ આવે છે.
જેમ કારને પેટ્રોલની આવશ્યક્તા હોય છે, જેમ મશીનને ઓઈલ અને પાવરની જરૂર હોય છે તેમ પ્રભુના અંજન થયા પછી તેના દ્રવ્યપ્રાણને વધારે પ્રકાશિત કરવા દ્રવ્યોની જરૂર હોય છે. જેટલી દ્રવ્યપૂજા ઉત્તમ દ્રવ્યોથી થાય તેટલું પ્રભુનું તેજ વધતું હોય છે અને સકળ શ્રીસંઘનું શ્રેય થતું હોય છે. એક મર્મજ્ઞ મહાત્માએ જણાવ્યું હતું કે, 'આ વિશ્ર્વમાં જ્યાં સુધી પ્રભુને દ્રવ્યપૂજા દ્વારા દ્રવ્ય ચડાવવાનો પૂજાપો ચાલુ રહેશે, ત્યાં સુધી આ વિશ્ર્વમાં સંપૂર્ણ અકાલ ક્યારેય પણ નહીં પડે. કેમકે પ્રભુને જે દ્રવ્ય અર્પણ કરો તેનું ઓછામાં ઓછું 10 ગણું 100 ગણું એમ અનેકગણું કરીને પાછું આપવાનો પ્રભુનો સ્વભાવ છે.'
જેમ આપણા ઘરે જમાઈ આવે તો તેમને થાળી માત્ર પીરસતા નથી પરંતુ "લ્યો લ્યો" ના આગ્રહપૂર્વક મનવાર કરીએ છીએ. તેવી રીતે પ્રભુને પણ સમર્પણનો સંપૂર્ણ શ્ર્લોક બોલીને "જલાદિકં સમર્પયામી સ્વાહા" તે શ્ર્લોક બોલવા પૂર્વક પ્રભુને દ્રવ્યો અર્પણ કરવાના હોય છે. જો સ્વાહાનો શ્ર્લોક ન બોલાય તો દ્રવ્ય ત્યાં પડ્યું જ રહે છે. અને તેનો પાવર પ્રભુજી સુધી પહોંચતો નથી. પાટણના કનાસાના પાડાના શાંતિનાથ ભગવાનના જિનાલયના ભોજકે એક ગુરુભગવંતને કહેલું કે, "જ્યારે પૂજા ભણાવવાની હોય ત્યારે દેરાસરના બે કિલો પેંડા સાથે અમારા બાળકો માટે એ જ તાસમાંથી 200 ગ્રામ પેંડા અમારા બાળકો માટે પણ અમો લાવતા હતા. પૂજા શરૂ કરતા પહેલા ઘરના બાળકોને તે 200 ગ્રામ પેંડા અમારા પૈસાથી લાવ્યા હોઈએ, તે બાળકોને ખવડાવીને અમે પૂજા ભણાવવા આવીએ અને પૂજામાં ચડાયેલા પેંડા સમર્પણનો શ્ર્લોક બોલાયા, પછી જ્યારે અમારા ઘરે એ પેંડા આવે અને તેને પણ બાળકો આરોગે ત્યારે તરત તેઓ બોલી ઉઠતા કે,'પહેલો આપેલો પેંડો મીઠો હતો અને બીજો પેંડો મોળો છે.' હવે એક જ તાસમાં એક જ સમયે એક જ ઘાણમાંથી લીધેલા પેંડાઓમાં આવો તફાવત જોવા મળે છે, તે સૂચવે છે કે જ્યારે 'સ્વાહાના' શ્ર્લોક દ્વારા દ્રવ્ય પ્રભુને સમર્પિત થાય છે, ત્યારે તેમાંનો રહેલો પાવર તે પ્રભુના દ્રવ્યપ્રાણમાં સંકલિત થઈ જાય છે અને બાકી જે બચે છે તે 'નિર્માલ્ય' કહેવાય છે.
હજુ થોડા વર્ષો પહેલા જ પ્રભુને માત્ર અક્ષત, નૈવેદ્ય, ફળ જ નહીં, પરંતુ સમગ્ર ભોજનની થાળી ધરવામાં આવતી હતી. જુદા જુદા સરબતો, મુખવાસો, અથાણાઓ વગેરે બહુ સમજણપૂર્વક 'અસણ્ પાણ્ ખાયમં' એ ન્યાયે અનેક પ્રકારના મેવા મીઠા આદિ જુદા જુદા દ્રવ્યો પ્રભુને શાસ્ત્રની આજ્ઞા મુજબ ધરવામાં આવતા હોય છે. એક પરંપરા હાલ લુપ્ત થઈ છે, જેમાં પ્રભુજીને જળભરેલો કળશ અષ્ટપ્રકારી પૂજા પૂર્ણ થયે ધરવામાં આવતો હતો. એટલે પ્રભુને જલથી માત્ર સ્નાન નહીં પણ પાન પણ કરાવવામાં આવતું હતું. તે વિધિની પુન: પ્રતિષ્ઠા થવી બહુ જરૂરી છે. આપણે સ્નાન કરાવીએ છીએ પણ પાન નથી કરાવતા. તેથી એક મહાપુરુષે જણાવેલું કે,'તમને ન્હાવાનું પાણી સુલભ છે પણ પીવાનું પાણી દુર્લભ થયું છે. આ પરંપરાની જો પુન: પ્રતિષ્ઠા કરવામાં આવે તો ત્રીજું વિશ્ર્વયુદ્ધ પાણી માટે થશે તેવી ડબલ્યુએચઓની આગાહી ખોટી પાડી શકાય તેમ છે.'
વ્યવહારમાં પણ આપણે ત્યાં મહેમાન આવે તો તેમને માત્ર જમવાનું જ નહિ પણ પાણી પીવાનો કળશો પણ આપીએ છીએ. તેમ ગૂઢ થી પણ અતિ ગૂઢ એવા પરમાત્માને આ બધી વિધિ દ્વારા જીવંત, જ્વલંત અને જગજયવંત રાખવામાં આવે છે. જિનમંદિરની 75 ટકા પ્રદક્ષિણા પૂર્ણ થાય ત્યાર પછી એક ગોમુખ આવતું હોય છે જેમાંથી પ્રભુના પ્રક્ષાલનું પાણી બહાર આવતું હોય છે. પાલીતાણા, શંખેશ્ર્વર, ગિરનારજીના પ્રાચીન જિનાલયમાં આજે તે જોવા મળે છે. એમ લખાયું છે કે જ્યાં સુધી આ પ્રાનલ ભીનું રહે ત્યાં સુધી સંપૂર્ણ ગામ લીલુંછમ રહે છે અને જે દિવસે આ જલ સુકાઈ જાય, ત્યારે ગામ પણ સુકાઈ જતું હોય છે. અંતરિક્ષજીનો દાખલો આ માટે જીવંત છે.
આવો! પ્રભુજી સન્મુખ આજથી જ નિત્ય એક જળનો કળશ સમર્પણના શ્ર્લોક દ્વારા બોલવાની પરંપરા પુન: પ્રતિષ્ઠિત કરીએ.
લેખક : હિરેન દિનેશચંદ્ર શાહ
No comments:
Post a Comment